One Nation One Election : વન નેશન વન ઇલેક્શન બિલને મોદી કેબિનેટે આપી મંજૂરી, શિયાળુ સત્રમાં રજુ થવાની સંભાવના

One Nation One Election: વન નેશન વન ઇલેક્શન એક દેશ, એક ચૂંટણીના બિલને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર સરકાર ચાલુ સત્રમાં જ આ બિલ સંસદમાં રજૂ કરી શકે છે.

One Nation One Election: બિલ પર ચર્ચા માટે JPCની રચના કરવામાં આવશે અને તમામ રાજકીય પક્ષોના મત લેવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિએ વન નેશન, વન ઈલેક્શન મુદ્દે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો.

One Nation One Election

વન નેશન, વન ઈલેક્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે આજે એટલે કે ગુરુવારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં આ અંગે એક વ્યાપક બિલ લાવી શકે છે.

સૌથી પહેલા આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ પાસે જશે અને ત્યારબાદ તેના પર તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. અંતે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પાસ કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં આપેલા મુખ્ય વચનોમાંથી એક છે.

નિષ્ણાતો અને હિતધારકો સાથે 191 દિવસ સુધી પરામર્શ કર્યા બાદ, કોવિંદ સમિતિએ 18 હજાર 626 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ કરાવી શકાય. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં, 5 વર્ષના બાકી સમય માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.

પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ. બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થઈ શકે છે. આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરી શકે છે. આ સિવાય સુરક્ષા દળોની સાથે વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને મશીનો માટે પણ આગોતરૂ આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ સમિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આઠ સભ્યો હતા. કોવિંદ ઉપરાંત તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીપીએ નેતા ગુલાબ નબી આઝાદ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સામેલ હતા. આ ઉપરાંત 15મા નાણાપંચના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપ અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી પણ આ સમિતિનો ભાગ હતા.

વન નેશન, વન ઇલેક્શન એ એક પ્રસ્તાવ છે જે અંતર્ગત ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્વના લક્ષ્યાંકોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

Leave a Comment